જેલ ખાતુ
http://www.prisons.gujarat.gov.in

પ્રશ્નોત્તર

5/22/2022 1:00:43 AM

1.      મારા એક સંબંધી જેલમાં છે. તેઓની મુલાકાત લેવી છે તો શું કરવું?

§    દરેક જેલની બહાર મુલાકાતીઓ માટેનો વિઝિટર્સ રૂમ હોય છે. ત્યાં જેલના સિપાઈ સવર્ગના કર્મચારી મુલાકાતે આવનાર મુલાકાતીઓનાં નામ, સરનામાં સહિતની વિગતો મુલાકાત ફોર્મમાં નોંધે છે. તેમ જ મુલાકાત મળવાપાત્ર હોય તો તેની ચકાસણી કરીને મુલાકાતીઓને બોલાવવામાં આવે છે. મુલાકાતીઓ મિત્ર વર્તુળમાંથી હોય તો એક કેદીની ૩ (ત્રણ) વ્યક્તિઓ મુલાકાત લઈ શકે છે. તેમ જ મુલાકાતીઓ નજીકનાં સગાંસંબંધીઓ હોય તો પાંચ વ્યક્તિ મુલાકાત લઈ શકે છે. મુલાકાતનો સમય વીસ (ર૦) મિનિટનો હોય છે. દરેક જેલ ઉપર કેદી સંખ્યા મુજબ મુલાકાત નોંધવાનો સમય નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે જેલ રજાના દિવસો સિવાય સવારના ૮-૦૦થી ૧૦-૦૦ તથા બપોરના ૧૪-૩૦થી ૧પ-૩૦ કલાક દરમિયાન મુલાકાતની નોંધણી કરાવવી પડે છે. 

·          કાચા કેદીને અઠવાડિયામાં ૧ (એક) મુલાકાત મળે છે. પાકા કેદીને પખવાડિયામાં ર(બે) મુલાકાત મળે છે. ખાસ કિસ્સામાં અધીક્ષક વધારાની મુલાકાત મંજૂર કરી શકે છે.

·          અટકાયતીઓને અટકાયતની ધારાની જોગવાઈ મુજબ મુલાકાત મળવાપાત્ર છે.

·          મુલાકાતમાં માન્ય પુસ્તકો તથા કપડાં સિવાય અન્ય વસ્તુઓ સ્વીકારી શકાતી નથી.

· 

2.      મારા સંબંધી જેલમાં છે. તેઓને ઘરનો ખોરાક (ટિફિન ) આપવા માગું છું.

§     સજાવાળા કેદીને ટિફિનની સવલત મળવાપાત્ર નથી. કાચા તથા અટકાયતીઓને ટિફિનની સવલત મળવાપાત્ર છે. ટિફિન પોતાના ઘેરથી અથવા લાઇસન્સ ધરાવતી હોટેલ દ્વારા આપી શકાય. ટિફિન મંજૂર કરાવવા અરજદારે પોતાના ર(બે) પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે અરજી આપવાની હોય છે. જે અધીક્ષક દ્વારા મંજૂર કર્યા બાદ ટિફિન અંગેનો પાસ આપવામાં આવે છે. તેમ જ નક્કી થયેલા સમયે અરજદારે ટિફિન પહોંચાડવું પડે છે.  સરકારશ્રીએ નક્કી કરેલ ચોક્કસ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઘરનાં ખોરાકની સુવિધા મળવાપાત્ર નથી.

§ 

3. મારા સંબંધી જેલમાં છે. તેઓને રોકડ રકમ આપવા માગું છું.

§ જેલમાં રહેલા કેદીને રોકડ રકમ આપી શકાતી નથી પરંતુ અરજદાર કેદીનાં નામ, સરનામે જેલના સરનામે રૂપિયા ૮૦૦/- ની મર્યાદામાં મનીઓર્ડર કરી શકે છે. રોકડ રકમ પ્રતિબંધિત વસ્‍તુ ગણાય છે અને તેથી કેદીને રોકડ રકમ આપવી તે જેલ ગુનો બને છે. 

4. મારા સંબંધી જેલમાં છે. તેઓને જોવા ટીવી કે અન્ય સાધનો આપવા માગું છું.

§ જેલમાં કેદીને વ્‍યક્તિગત રીતે ટીવી કે અન્ય સાધનો આપી શકાતા નથી, પરંતુ રજીસ્ટર્ડ થયેલ સંસ્થા દ્વારા લેટર પેડ ઉપર કેદીઓના સામૂહિક ઉપયોગ માટે ટીવી ભેટ આપવા અંગેની મંજૂરી મેળવવા અરજી આપવી પડે છે. જે સંબંધિત જેલ દ્વારા વડી કચેરીની મંજૂરી મેળવવા મોકલવી પડે છે. તેમ જ વડી કચેરીની મંજૂરી મળ્યા બાદ ટીવી ભેટ સ્વીકારી શકાય છે કે જેની માંલિકી જેલ સંસ્થાની બને છે. કોઈ ખાસ કેદી માટે ટીવી સ્વીકારી શકાતું નથી.

 

5. મારે જેલ કેદીઓને મદદરૂપ થવા દાન આપવું છે.

§ કેદીઓને મદદરૂપ થવા કેદી કલ્યાણ ફંડમાં દાન આપી શકાય છે. જેની પહોંચ આપી, સદરહુ રકમ કેદી કલ્યાણ ફંડમાં જમા કરવામાં આવે છે.

§ 

6.  મારે જેલમાં કેદી સુધારણા માટે યોગનો કાર્યક્રમ યોજવો છે.

§ વ્યક્તિગત રીતે કેદી સુધારણાનો કાર્યક્રમ યોજી શકાતો નથી. પરંતુ કોઈ સંસ્થા અથવા એન.જી.ઓ. દ્વારા આવો કાર્યક્રમ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવ્યા બાદ યોજી શકાય છે.

7.  અમારી સંસ્થાને જેલની મુલાકાત લેવી છે.

§ કોઇપણ સંસ્થાને જેલની મુલાકાત લેવા માટે મુલાકાત લેવાનો હેતુ તથા કારણો સહિતની અરજી, જેલોના ઇન્સ્પેકટર જનરલશ્રીને કરવાની રહે છે. જેમાં સંસ્થાની વિશ્વનિયતા, હેતુ, ઉદેશ, શિસ્ત સલામતીની બાબતોને ઘ્યાનમાં લઈ આવી માગણી મંજૂર અથવા નામંજૂર કરવામાં આવે છે.

8. મારા સંબંધીને ફર્લો રજાની મારે અરજી કરવી છે.

§ ફર્લોની અરજી ગમે ત્યારે કરી શકાતી નથી, પરંતુ ફર્લો મળવાપાત્ર થાય ત્યારે કેદી પોતે જેલમાંથી જેલોના ઇન્સ્પેકટર જનરલશ્રીને અરજી કરી શકે છે. જે જેલ દ્વારા વડી કચેરીને તથા સંબંધિત પોલીસ અધિકારીને મોકલવામાં આવે છે.
 

9.            મારા સ્નેહી જે જેલમાં છે. તેઓના અંગત સંબંધી (માતાપિતા)નું મૃત્યુ થતાં તેઓને રજા મેળવવાની અરજી કરવી છે.

§ કેદીનાં સગાં સંબંધી કેદીનાં માતા, પિતા અથવા નજીકના સંબંધીના મૃત્યુનાં કારણોસર પેરોલ રજા મળતા પુરાવા સાથે અમદાવાદ મધ્યસ્થ જેલના કેદી માટે જેલોના ઇન્સ્પેક્ટર જનરલશ્રીને અરજી કરી શકે છે. અન્ય જેલોના કેદીઓ માટે સંબંધિત જીલ્લા મેજિસ્ટેટશ્રીને અરજી કરવાની રહે છે. તદુપરાંત, નામદાર હાઈ કોર્ટને પણ વકીલ દ્વારા પિટિશન કરી શકાય છે. તેમ જ કેદી પોતે પણ જેલમાંથી અરજી કરી શકે છે.

10.        જેલ અધિકારીની વર્તણૂંક અંગે હું ફરિયાદ કરવા માગું છું.

§ જેલ અધિકારીની વર્તણૂંક અંગે ફરિયાદ કરવા માટે દરેક જેલના મેઇનગેટ બહાર ફરિયાદ પેટી મૂકવામાં આવે છે. જેમાં ફરિયાદ નાખી શકે છે. અથવા જેલના અધીક્ષકને પણ ફરિયાદ કરી શકે છે. તેમ જ અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ ફરિયાદ કરી શકે છે.